Home અમદાવાદ વિશ્વની મોહન વીણાને સાત્ત્વિક વીણાના સલિલનું સ્નાન અર્પણ

વિશ્વની મોહન વીણાને સાત્ત્વિક વીણાના સલિલનું સ્નાન અર્પણ

3 second read
0
5

વરિષ્ઠ અનુભવી કલાકારોના ખજાનાનો રસકુંભ

ધીમે ધીમે ઉત્તરાયણ તરફ ગતિ કરતું સમસ્ત બ્રહ્માંડ ઉત્સાહથી તરબતર છે અને એજ રીતે સમારોહના સમાપન તરફ આગળ વધતું આડત્રીસમું સપ્તક શાસ્ત્રીય પર્વ પણ ઉમંગથી છલકાય છે. ગત વર્ષે દિવંગત થયેલા સ્વજનો સમા કલાકારોને અને કલામર્મીઓને સ્મરીને તેમની અદ્રશ્ય હાજરી અનુભવતા સૌ વર્તમાનમાં પણ જીવી રહ્યા છે.

ઉત્સવની અગિયારમી રાત્રિએ સંધ્યાકાળે દસ્તાવેજી ચિત્રમાં ગ્વાલિયર ઘરાનાના પંડિતો અને ઉસ્તાદોને પડદા પર નિરખવાનો અને સાંભળવાનો અવસર સૌએ માણ્યો. રાત્રિ સભાના આરંભે સપ્તક આર્કાઇવમાંથી જે અંકે થયું હતું તે આ રહ્યું… પદ્મશ્રી ઉ.શરાફત હુસેન ખાઁ સાહેબનું ગાન રાગ નટકામોદમાં.

સભાના અંતિમ સોપાને ગ્રેમી એવોર્ડ વિજેતા એંશીથી વધુ રાષ્ટ્રોમાં પ્રસ્તુતિ આપનાર, સપ્તક પરિવારના સભ્ય એવા પં.વિશ્વમોહન ભટ્ટની મોહનવીણાનું સમ્મોહક વાદન પ્રસ્તુત થયું. મહિયર ઘરાનાના આ કલાકાર પં.શશીમોહનજી અને પં.રવિશંકરના શિષ્ય છે. સાથે તેમના સુપુત્ર સલિલ ભટ્ટે સાત્ત્વિકવીણા વાદન કરી પિતાના પગલે પગલું મૂક્યુંઃ

પં.વિશ્વમોહનજીએ એક પછી એક નવરંગી રજૂઆતો વડે રાત્રિને સૂરમયી બનાવી દીધી. તેમણે સૌપ્રથમ રાગ જોગને વિલંબિત લયમાં રાગ દેશ અને કિરવાણીની સરવાણી વહાવી રૃપક તાલમાં ''આજ જાને કે જિદ ના કરો'' અને રાજસ્થાની લોકસંગીતમાં તાલ દીપચંદી, કહેરવા અને દાદરાએ અનોખો સંગ કર્યો. પ્રચલિત ધૂન પછી ''વંદે માતરમ''ની રજૂઆતે રાત્રિને રઢિયાળી બનાવી દીધી. અંતમાં ''મિટીંગ બાય ધ રિવર'' પુરસ્કૃત કૃતિને પિતા-પુત્રની જોડીએ અનન્ય ન્યાય આપ્યો. જાણે ઉપરા ઉપરી રાગોની વર્ષા થઇ! હિમાંશુ મહંત તબલાં પર અને ઋષિકુમાર ઉપાધ્યાય પખાવજ પર પ્રભાવી અને પૂરક અનુભવાયા.

(રસાસ્વાદ – સુધા ભટ્ટ)

દ્રૂમ દ્રૂમ લતા લતા પતા પતા ગાતે રહેં

અગિયારમી રાત્રિ બેઠકના પ્રથમ ચરણમાં ઉ.યાકુબ હુસેન ખાનનું કંઠયગાન પ્રેક્ષકગૃહમાં છવાઇ રહ્યું. આગરા અતરૌલી ઘરાનાના આ વરિષ્ઠ કલાકાર ઉ.વિલાયત હુસેન ખાઁ સાહેબના શિષ્ય અને પુત્ર છે.

તેમના કંઠે બિરાજેલા દેવી સરસ્વતીની અસ્ખલિત વાણી વહેતી હોય એવું સૌ રસિકોને અનુભવાયું. તેમણે રાગ યમન કલ્યાણમાં બડાખ્યાલમાં વિલંબિત લયમાં બંદીશ પેશ કરી ''દિયરા મૈં બારુંગી…હજરત ખ્વાજા કી..'' દ્રૂતલયમાં લલકાર્યું ''ગુરુ બિન કૈસે ગુન આવે…'' ત્યારબાદ ઉ.નથ્થન ખાઁ સાહેબની પુરાણી બંદીશ ''દર્શન દો શંકર મહાદેવ'' ભક્તિભાવસહ રજૂ કર્યું.

એ પછી રાગ સોહનીમાં ''દ્રૂમ દ્રૂમ…'' ગાઇ પ્રેક્ષકોને બાગ બાગ કરી દીધા. અંતમાં રાગ પરજ કાલિંગડામાં ''બાલમ હો મારા દેવ ગજરા રે..'' લાડથી ગાયું. તેમને ગાયનમાં ટેકો કર્યો એમના ભાણેજ ઉ.હાજી શૌકત નિયાઝીએ. બિમલ ભટ્ટાચાર્યના તબલાંએ અને રાજુ ગાંધર્વના હાર્મોનિયમે ગાયનને પૂર્ણત્વ બક્ષવામાં મદદ કરી.

રાગ મધુમાલતીએ સપ્તક સમારોહમાં નોખી સુગંધ પ્રસરાવી

સભાના દ્વિતીય સોપાને રાજસ્થાનના સુવિખ્યાત સંગીત પરિવાર ''ભટ્ટ પરંપરા''ના પં.કૃષ્ણમોહન ભટ્ટનું સિતારવાદન અને સૌગતો રાય ચૌધરીનું સરોદવાદન સુપેરે રજૂ થયું. આ જુગલબંદી સાથે તાલ મેળવવા તબલાં પર સપ્તક પરિવારના નિહાર મહેતા ઉપસ્થિત રહ્યા.

મહિયર ઘરાનાના પં.શશીમોહનજી અને પં.રવિશંકરજીના શિષ્ય પં.કૃષ્ણમોહનજીએ રાગ મધુમાલતી પ્રસ્તુત કર્યો. આ રાગ મધુવંતીને મળતો આવે છે. ઉ.અલી અકબર ખાઁ સાહેબની બંદીશ આલાપ, જોડ સહ તીનતાલમાં રસિકોને ચરણે ભેટ સ્વરૃપે ધરી. ત્યાર બાદ રાગ ચારૃકેશીની સૂરીલી બંદીશ રૃપકતાલ અને તીનતાલમાં રજૂ કરી ત્રણે કલાકારો લોકચાહનાના અધિકારી બન્યા.

અદ્દભુત! અદ્દભુત! શાસ્ત્રીય સંગીત કલ્યાણકારી હો!

અગિયારમી જાન્યુઆરી ઉત્તર ભણી જતા સૂર્યની ગતિમાં ગતિ આવી જ હોય. સપ્તક સમારોહ પણ પૂર્ણાહુતિ તરફ ગતિ કરતો અનુભવાયો. બેઠકના તૃતીય ચરણમાં ભોપાલમાં ધુ્રપદ સંસ્થાનનું સ-રસ સંચાલન કરતા ગુંદેચા બંધુઓ મંચસ્થ થયા.

પં.ઉમાકાંત ગુંદેચા અને પં.રમાકાંત ગુંદેચાએ ધુ્રપદ ગાયન રજૂ કરી પ્રેક્ષકોને ધીરગંભીર ડાગર ઘરાનાની શૈલીનો પરિચય કરાવ્યો. સાથે અખિલેશ ગુંદેચાએ પખાવજ વડે સૂરને તાલનો સ્પર્શ કરાવ્યો. વિવિધ લયકારી વડે કલાકારોએ રાગ અદ્દભુત કલ્યાણને સજાવ્યો. આ રાગ માત્ર ડાગર ઘરાનાની જ ધરોહર છે. અન્ય ક્યાંય એને વગાડયો જાણ્યો નથી. આ રાગની વિશેષતા એ છે કે એમાં મ અને પ એક સાથે વર્જિત છે. પં.ભાતખંડેની વ્યાખ્યાથી એ અલગ છે.

ધુ્રપદ સંસ્થાન ગુરુકુળ પરંપરાથી ચાલે છે જેમાં ચાળીસ શિષ્યો છે અને પરીક્ષાની પ્રણાલી અહીં જે છે નહિ. ગુંદેચા બંધુઓએ રાગ અદ્દભુત કલ્યાણમાં વિલંબિત લય, ચૌતાલમાં ''જબ કર્તા રંગ મેં આયો તૈં ઓમ નાદમેં સકલ સૃષ્ટિ સજાયો…'' બંદીશ ઉપાડતાં પહેલાં ઘેરા ઘેઘૂર સ્વરે નોમ-તોમના આલાપમાં જીવ પરોવ્યો.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …