Home રાષ્ટ્રીય લોકશાહી ખતરામાં : સુપ્રીમના ચાર જજે બંડ પોકાર્યું

લોકશાહી ખતરામાં : સુપ્રીમના ચાર જજે બંડ પોકાર્યું

1 second read
0
4

– દેશના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા સામે સુપ્રીમના ચાર જજનો બળવો

– સુપ્રીમના ચાર જજ જે. ચેલામેશ્વર, રંજન ગોગોઈ, એમ. બી. લોકુર અને કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ યોજી

ચારેય જજે સીજેઆઈ મિશ્રાને લખેલો સાત પાનાનો પત્ર મીડિયા સામે રજૂ કરી કહ્યું 'સુપ્રીમમાં બધું બરાબર ચાલી રહ્યું નથી'

જો દેશના ન્યાયતંત્રની સર્વોચ્ચ સંસ્થાનું કામ જ યોગ્ય રીતે નહીં ચાલે તો લોકશાહીનું માળખું ધ્વસ્ત થઈ જશે: જસ્ટિસ ચેલામેશ્વર

ચાર જજની પ્રેસ કોન્ફરન્સ પછી સીજેઆઈ દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને અરજન્ટ મીટિંગ માટે બોલાવ્યા

ન્યાયતંત્રનું ચીરહરણ
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

સુપ્રીમ કોર્ટના ચાર જજે ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે મોરચો ખોલતા ખળભળાટ મચી ગયો છે. આ ચાર જજમાં જસ્ટિસ જે. ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ. બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે. આ ચારેજ જજે યોજેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેના કારણે ભારતીય લોકશાહી પણ ખતરામાં છે. અમે આજે સવારે જ ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મળીને સુપ્રીમ કોર્ટમાં સર્જાયેલી મુશ્કેલીઓ મુદ્દે વાત કરી હતી.

ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા પછી સિનિયોરિટીની દૃષ્ટિએ બીજા નંબરના જસ્ટિસ જે.ચેલામેશ્વરે મીડિયા સમક્ષ સુપ્રીમ કોર્ટની મુશ્કેલીઓ મૂકતા કહ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ ઘટના છે. છેલ્લાં અમુક મહિનાથી સુપ્રીમ કોર્ટનું વહીવટી તંત્ર યોગ્ય રીતે નથી ચાલી રહ્યું. આશરે બે મહિના પહેલાં જ અમે ચાર જજોએ ચિફ જસ્ટિસને પત્ર લખીને આ વાત જણાવી હતી. જોકે, અમે તેમને અમારો મુદ્દો સમજાવવામાં નિષ્ફળ રહ્યા. આ મુદ્દા કેટલાક કેસ એસાઇન્મેન્ટને લઇને હતા. જો સુપ્રીમ જેવી બંધારણીય સંસ્થામાં જ આવું થશે તો દેશનું લોકશાહી માળખું ધ્વસ્ત થઈ જશે. એટલે જ અમે અમારી વાત રાષ્ટ્ર સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો.

આઝાદી પછી પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવાની ફરજ પડી છે. ત્યાર બાદ પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમે કયા કેસ એસાઈન્મેન્ટને લઈને ચિફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. શું આ મુદ્દો સીબીઆઈના જસ્ટિસ લોયાની શંકાસ્પદ હત્યાને લઈને હતો? જેના જવાબમાં જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું હતું કે, હા. અમે ચિફ જસ્ટિસને લખેલો પત્ર પણ તમને આપીશું. તેના પરથી મામલો સ્પષ્ટ થઈ જશે કે, અમને કયા કયા કેસમાં ચિફ જસ્ટિસ સામે મતભેદ છે.

આ દરમિયાન જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું હતું કે, હવે વીસ વર્ષ પછી કોઈ એમ ન કહે કે, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના તમામ જજે આત્મા વેચી દીધા હતા. એટલે અમે આ પત્ર મીડિયા સમક્ષ જાહેર કરીએ છીએ. ભારત સહિત કોઈ પણ લોકશાહી દેશમાં સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાનું કામ યોગ્ય રીતે ચાલે એ ખૂબ જરૃરી છે.

હવે આ પત્ર મુદ્દે રાષ્ટ્રએ વિચાર કરવાનો છે કે, ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સામે મહાભિયોગ ચલાવવામાં આવે કે નહીં. ત્યાર પછી ચારેય જજે સાત પાનાનો એક પત્ર જાહેર કરતા કહ્યું હતું કે, કોઈ પણ દેશના ન્યાયતંત્રમાં ચિફ જસ્ટિસ પણ બધાની જેમ સરખા છે. તેઓ પણ કોઈથી વધુ કે ઓછું મહત્ત્વ ધરાવતા નથી. આ અમારા મુદદા છે, જે અમે દેશ સમક્ષ રજૂ કરી દીધા છે. આ પ્રેસ કોન્ફરન્સ પછી તુરંત જ ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને મીટિંગ માટે બોલાવ્યા હતા.

ચારેય જજે પત્ર લખીને સીજેઆઈ દીપક મિશ્રા સામે ઉઠાવેલા મુખ્ય વાંધા

નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર
સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાને સાત પાનાનો એક પત્ર લખીને વિવિધ કેસમાં મતભેદો મુદ્દે ફરિયાદ કરી હતી. ત્યાર પછી તેમણે મીડિયાને પણ આ પત્રની નકલ આપી હતી. આ પત્રમાં જજોએ સીજેઆઈ મિશ્રા સામે ઉઠાવેલા મુખ્ય વાંધા આ પ્રમાણે છે.

સુપ્રીમના વિવિધ કેસને મેરિટના આધારે ડીલ ના કરાયા
આ ચારેય જજે પત્રની શરૃઆતમાં જ સીજેઆઈ દીપક મિશ્રા પર સનસનીખેજ આરોપ મૂક્યો છે કે, હાલની ન્યાયિક વ્યવસ્થામાં જુદા જુદા કેસને તેના મેરિટ પ્રમાણે ડીલ નથી કરાઈ રહ્યા. સુપ્રીમના રોસ્ટર (એક પ્રકારની ફાઈલ)માં રજૂ કરાયેલા વિવિધ કેસને તેના મેરિટ પ્રમાણે જ બેન્ચને સોંપવામાં આવે, પરંતુ આજકાલ આ નિયમનું પાલન નથી થઈ રહ્યું. સુપ્રીમમાં છેલ્લાં ઘણાં સમયથી ચિફ જસ્ટિસ અનેક કેસને પોતાની પસંદગીની બેન્ચને સોંપી રહ્યા છે, જેની દેશ અને ન્યાયતંત્ર પર દૂરગામી અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે અમારી અપેક્ષા હતી કે, બેન્ચને સોંપાતા દરેક કેસની વહેંચણી તર્કસંગત રીતે થાય. ખુદ સીજેઆઈ આ પ્રકારના મામલામાં ઓથોરિટીની જેમ આદેશ ના કરી શકે. આ નિયમની અવહેલના અશોભનીય છે.

મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવવામાં ઢીલ ના જોઈએ
હવે હાઈકોર્ટોમાં જસ્ટિસની નિયુક્તિ માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર (એમઓપી) બનાવવામાં પણ ઢીલ ના થવી જોઈએ. અત્યારે હાઈકોર્ટોમાં જસ્ટિસના હોદ્દા ખાલી પડયા છે. નોંધનીય છે કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવવામાં વધુ સમય ના બગાડવામાં આવે એ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી હતી. ગયા વર્ષના જાન્યુઆરી માસની સુપ્રીમ કોર્ટ મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર અમલી કરવાનો પ્રયાસ કરી રહી છે.

ચારેય જજે જસ્ટિસ લુથરા કેસનો ઉલ્લેખ કરી વાંધો ઉઠાવ્યો
જસ્ટિસ આર. પી. લુથરાએ હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવ્યા વિના સુપ્રીમ અને હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ ના થઈ શકે. હાઈકોર્ટે આ અરજી રદ્ કરતા જસ્ટિસ લુથરા સુપ્રીમમાં ગયા. આ મુદ્દે ચારેય જજે વાંધો ઉઠાવ્યો છે કે, આ કેસને બંધારણીય બેન્ચ સિવાયની કોઈ બેન્ચને કેવી રીતે સોંપી શકાય? કારણ કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિયેશન વિરુદ્ધ ભારત સરકારનો કેસ ૨૦૧૬માં બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો હતો.

સુપ્રીમે શરમ અનુભવવી પડે એટલે ઊંડાણમાં નથી જતા
ચારેય જજે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સીજેઆઈએ વિવિધ બેન્ચને સોંપેલા કેસમાં બહુ ઊંડાણમાં ખુલાસા નથી કરતા કારણ કે, તેનાથી સુપ્રીમ કોર્ટે શરમ અનુભવવી પડશે. જોકે, આ પ્રકારની નીતિરીતિથી સુપ્રીમ કોર્ટની ગરિમાને કેટલેક અંશે લાંછન લાગી ચૂક્યું છે.

છ મહિનાની જેલ ભોગવી ચૂકેલા જસ્ટિસ કર્ણનનો ઉલ્લેખ
જસ્ટિસ કર્ણનના કેસમાં ચોથી જુલાઈ, ૨૦૧૭ના રોજ જસ્ટિસ જે. ચેલામેશ્વર અને રંજન ગોગોઈએ અલગથી ચુકાદો લખીને કહ્યું હતું કે, આ સમસ્યા મુદ્દે અમારું માનવું છે કે, આપણે જજોની નિયુક્તિના કેસમાં પસંદગીની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત જસ્ટિસ કર્ણન જેવા કેસમાં મહાભિયોગ સિવાય બીજા કોઈ કાયદાકીય વિકલ્પનો વિચાર કરવો જોઈએ.

સીજેઆઈ દીપક મિશ્રાને ભૂલો સુધારવાની પણ અપીલ
આ પ્રકારના મુદ્દે સીજેઆઈ દીપક મિશ્રા પોતાની ભૂલોને સુધારે. આ ઉપરાંત કોલાજિયમના બીજા જજો સાથે પણ વાત કરે અને જરૃર પડયે સાથી જજોના સૂચનો સ્વીકારીને સુધારાત્મક કાર્યવાહી કરે.

હવે જનતા દરેક ચુકાદાને શંકાની નજરે જોશે: નિકમ
વરિષ્ઠ વકિલ ઉજ્જ્વલ નિકમે આજનો દિવસ ભારતીય ન્યાયવ્યવસ્થા માટે કાાળો દિવસ હોવાની પ્રતિક્રિયા આપી છે. હવે દરેક વ્યક્તિ પ્રત્યેક ચુકાદાને શંકાસ્પદ નજરે જોશે અને દરેક ચુકાદા સામે પ્રશ્નિચન્હ ઉપસ્થિત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
નિકમે ટ્વીટર પર પોતાની પ્રતિક્રયા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વરના ઘરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોટના પ્રશાસનમાં ગત બે મહિનાથી યોગ્ય કારભાર થતો ન હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો હતોો. ચેલમેશ્વર સાથે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, માધવ બી. લોકૂર અને કુરિયન જોસેફ પણ હાજર હતા. તેમણે આરોપ કર્યો હતો કે કેસોની ફાળવણી સમાનતા પૂર્વક થઈ રહી નથી. ન્યાયવ્યવસ્થા ટકશે નહીં તો લોકશાહી ટકશે નહીં. એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે આ બાબતે ચર્ચા કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. બે મહિનાથી ચાલી રહેલા કારભારથી અમે દુખી છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In રાષ્ટ્રીય

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …