Home અમદાવાદ આવકવેરાની રિકવરી બાકી હોય તેવા કરદાતાઓ સામે પ્રોસીક્યુશન શરૃ કરો

આવકવેરાની રિકવરી બાકી હોય તેવા કરદાતાઓ સામે પ્રોસીક્યુશન શરૃ કરો

10 second read
0
4

-આવકવેરા કમિશનરોએ અધિકારીઓને હુકમ કર્યો

-આવકવેરાની આવક ટાર્ગેટ પ્રમાણે આગળ ન વધતી હોવાથી કેન્દ્રના નાણાં ખાતાના વધી રહેલા ટેન્શનને પરિણામે ત

અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2018,ગુરૃવાર

ગુજરાતમાં ઇન્કમટેક્સની આવક કરવાના વાર્ષિક ટાર્ગેટની તુલનાએ ૩૦ ટકાથી વધુ રકમની આવક હજી બાકી હોવાથી ગભરાયેલા નાણાં મંત્રાલયની સૂચનાને અનુસરીને ગુજરાતના આવક વેરા કમિશનરોએ તેમના કાર્યક્ષેત્રના આવકવેરા અધિકારીઓને જે કરદાતાઓની રિકવરી પેન્ડિંગ હોય તેવા કેસમાં પ્રોસિક્યૂશન (કોર્ટકાર્યવાહી) શરૃ કરી દેવાના આદેશ આપવા માંડયા છે. દરેક આકારણી અધિકારીઓને પેન્ડિંગ રિકવરી હોય તો તેવા બે કેસમાં પ્રોસિસક્યુશન કરવાની સૂચના આપી છે.

આ જ રીતે તેમને જેટલા યોગ્ય લાગે તેટલા કેસમાં સર્વે કરવાની અને રિકવરી કરી લેવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને ચોક્કસ રકમ નહિ પરંતુ કેસ પ્રમાણે ત્રણથી પાંચેક કરોડની રિકવરી કરી આપવા જણાવવામાં આવે છે. કમિશનરો તેમની હાથ નીચેના કર્મચારીઓ કે અધિકારીઓ પાસેથી ટાર્ગેટ મુજબની આવક ન કરાવી શકે તો તેમને નવી ટ્રાન્સફર બહુ જ ખરાબ જગ્યાએ આપી દેવાતી હોવાથી તેઓ પણ સતત ટાર્ગેટ એચિવ કરવાના દબાણ હેઠળ જ રહે છે.

કરદાતા પાસે જૂનો ટેક્સ લેવાનો બાકી હોય તેમની સામે પ્રોસિક્યુશન કરવા જણાવાયું છે. તેવી જ રીતે જેમની આવક વેરાપાત્ર હોય અને તેમણે રિટર્ન ફાઈલ ન કર્યા હોય તેવા કેસમાં પણ પ્રોસિક્યુશન કરવા જણાવવામાં આવ્યું છે. આ જ રીતે જે વ્યક્તિઓએ તેમના બૅન્ક એકાઉન્ટમાં ૨૫ થી ૫૦ લાખ રોકડેથી જમા કરાવ્યા હોય, પરંતુ રિટર્ન જ ફાઈલ ન કર્યા હોય તેવા કેસમાં પણ પ્રોસિક્યુશન ચાલુ કરી દેવા જણાવવામાં આવ્યું છે.

આ પ્રકારના કિસ્સાઓમાં જમીનની માલિકી ધરાવતા ઠાકોરોએ કરોડ બે કરોડમાં જમીન વેચી હોય, પરંતુ તેમની આવક પાંચથી સાત ભાઈઓમાં વિભાજિત થઈ ગઈ હોય અને તેમની સામે માત્ર ૩૫૦૦૦થી ૭૦૦૦૦નો જ વેલ્થ ટેક્સ લાગતો હોય તેવા કેસમાં પણ પ્રોસિક્યુશન કરવાની ફરજ પડી રહી છે. કારણ કે આ આવકમાંથી તેમણે ઘર ખરીદી લીધા હોય છે. તેથી તેમને નોટિસ આપે તો પણ રિકવરી આવવાની સંભાવના રહેતી જ ન હોવાનું જાણકારોનું કહેવું છે.

ઠાકોર કોમના પરિવારોએ વેચેલી મિલકત થકી થયેલી આવક તેમના એકના હાથમાં પૂરી આવક ગઈ હોતી નથી. તેના પાંચથી સાત ટુકડા થઈ ગયેલા હોય છે. તેથી તેમાં કેપિટલ ગેઈન ઘટી જાય છે. આ સ્થિતિમાં રિકવરી આવવાની ન હોવાનું સ્પષ્ટ હોવા છતાંય નોટિસો આપવી પડી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના દરેક કમિશનરોએ તેમની હાથ નીચેના અધિકારીઓને આ સૂચના આપવા માંડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં આવકવેરાની રૃા. ૪૭૦૦૦ કરોડથી વધુની આવક કરવાના આપવામાં આવેલા ટાર્ગેટ સામે ૩૦મી ડિસેમ્બર સુધીમાં ૩૧૦૦૦ કરોડની આસપાસની જ આવક થઈ હોવાથી આવકવેરા અધિકારીઓમા આ વખતના ટાર્ગેટને એચિવ કરી શકાશે કે કેમ તે અંગેની આશંકામાં વધારો થઈ ગયો હોવાથી આ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જણાય છે.

જાણકારોનું કહેવું છે કે રિકવરી અધિકારીઓને ટાર્ગેટ પણ આપી દેવામાં આવ્યા છે. ઇન્કમટેક્સની આવક વધારવા માટે કરદાતાઓ પર દબાણ વધારવા માટે તેમના ખાતાઓ એટેચ કરવાની તથા પ્રોપર્ટી એટેચ કરી દેવાની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે. આ જ રીતે જે કરદાતાઓની જૂની રિકવરી બાકી હોય તેવા કરદાતાઓ સામે પ્રોસિક્યુશન ચાલુ કરી દેવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પ્રકારના કેસોમાં તેમની મિલકતને કે પછી બૅન્ક એકાઉન્ટને પણ એટેચ કરી દેવામાં આવે છે. પરિણામે બૅન્ક ખાતામાં કોઈપણ રકમ જમા થાય તો તે રકમ આવકવેરા ખાતાની બાકી ડિમાન્ડ સામે જપ્ત થઈ જાય છે.

આવકવેરા અધિકારીઓએ પણ મજબૂત શોર્ટકટ અપનાવ્યો

આવકવેરાની ઘટેલી આવકને કારણે ૫૦૦ કેસ ધરાવતા અધિકારીઓને ૧૦૦થી ૨૦૦ કેસમાં નોટિસ આપી શકાય તેમ હોય છે. તેમાંથી ૭૫ જેટલા કેસમાં આવકવેરા અધિકારીઓ નાની મોટી રકમનું ઉમેરણ કરી દઈને તેમને નોટિસ પાઠવી દે છે. આ રીતે નોટિસ આપવામાં આવે તો તેને પરિણામે નોટિસ સામે અપીલમાં જવા માટે જે તે કરદાતાઓ તેના પર નીકળતી વેરાની ડિમાન્ડની ૨૦ ટકા રકમ કમિશનર અપીલમાં જમા કરાવી દેવી પડે છે.

આ રીતે કરદાતાની આવકમાં ખોટી આવક ઉમેરતા જઈને આવકવેરાના ટાર્ગેટની રકમ સુધી વાર્ષિક આવકને પહોંચાડી દેવામાં આવતી હોવાનું જાણકારોનું કહેવું છે. કરદાતાઓ અપીલમાં જાય તે પછી બે બે વર્ષે કેસનો નીવેડો આવે છે. પરિણામે આ વર્ષની આવકના ટાર્ગેટ સચવાઈ જાય છે.

આ જ રીતે રિકવરી માટે સર્વે કરવા પણ આવકવેરા અધિકારીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આકારણીના કામ સાથે સંકળાયેલા અંદાજે ૫૦૦ અધિકારીઓ છે. રિકવરી માટે જે યોગ્ય જણાય તે માર્ગે રિકવરી વધારવાની સૂચના અપાઈ છે.

કરદાતાએ જમા કરાવેલા વેરાની ડિટેઈલ આપતું ખાનગી પોર્ટલ

ગુજરાત અને સમગ્ર ભારતના કરદાતાઓએ આવકવેરા ખાતામાં જમા કરાવેલા કરની વિગતો આપતું એક અલાયદું પોર્ટલ આવકવેરા ખાતાએ તૈયારચ કર્યું છે. તેનો ઉપયોગ માત્ર ને માત્ર અધિકારીઓના વપરાશ માટે જ કરવામાં આવે છે. આઈટીબીએ તરીકે ઓળખાતા આ પોર્ટલ પર ૩૦ મિનિટથી માંડીને ૫ કલાક સુધીમાં કરદાતાઓ વિશેની તમામ માહિતીઓ મેળવી શકાય છે.

પરંતુ તેને કારણે આવકવેરા અધિકારીઓના કામના કલાકો ૧૨ કલાકથી પણ વધી જઈ રહ્યા છે. ટાંચા સ્ટાફ પાસે આ કામ કરાવવાનું હોવાથી સંખ્યાબંધ અધિકારીઓ નોકરી છોડી દેવા સુધીની સ્થિતિએ પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Keywords Start,the,prosecution,against,taxpayers,who,have,an,income,recovery,Original Article

Load More Related Articles
Load More By GSAdmin
Load More In અમદાવાદ

Check Also

http://rss.akilanews.com/international-news/international-news-rss.xml

[unable to retrieve full-text content]Original Article at Akilanews.com …